હિંમતનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- પાલિકાની તપાસમાં 100 થી વધુ માલિકોએ મકાન ભાડે આપ્યાનું ખૂલ્યું હતું
- ભાડૂઆતોને મકાન ખાલી કરવા 15 દિવસની મોહલત સાથે નોટિસ અપાશે
હિંમતનગર શહેરની ત્રણ આવાસ યોજનામાં ગુરુવારે પાલિકા ચીફ ઓફિસર દ્વારા હાથ ધરાયેલ ચકાસણી દરમિયાન 100 જેટલા આવાસમાં ભાડૂઆત મળી આવતા મૂળ લાભાર્થીઓને નોટિસ આપવા તૈયારીઓ થઈ રહી છે અને ભાડૂઆતોને પણ આવાસ ખાલી કરવા 15 દિવસની મોહલત સાથે નોટિસો આપવામાં આવનાર છે.
હિંમતનગર શહેરના હસનનગર, ગિરધરનગર અને છાપરીયા વિસ્તારમાં ત્રણ આવાસ યોજનાઓ તૈયાર કરી 900 લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આવાસ યોજનામાં કેટલાક લાભાર્થીઓ મકાન ભાડે આપી અન્યત્ર રહેતા હોવાની અને અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો મળ્યા બાદ ગુરુવારે પાલિકા ચીફ ઓફિસરની આગેવાનીમાં પાંચ ટીમોએ તમામ આવાસમાં હાજર મળી આવેલ લોકો પાસેથી ઓળખ પત્રો મેળવી આવાસની ચકાસણી હાથ ધરી હતી.
જેમાં 100 જેટલા લાભાર્થીઓ બહાર રહેતા હોવાનું ખુલ્યું હતું. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે તમામને નોટિસ આપવા તૈયારીઓ થઈ રહી છે. આગામી સપ્તાહમાં આવાસના મૂળ માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાશે તથા હાલમાં વસવાટ કરી રહેલ ભાડૂઆતોને મકાન ખાલી કરવા 15 દિવસની મોહલત સાથે નોટિસ અપાશે.