- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- સ્વામી વિવેક સાગર કહે છે: ‘ગેરકાયદે બાંધકામ થયું નથી’, કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિનો દાવો: ’11 શરતોનું ઉલ્લંઘન થયું’
રાજકોટ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં ચાલી રહેલા બાંધકામ મુદ્દે હાઈકોર્ટનાં આદેશ બાદ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પ્રાંત અધિકારીને તપાસ સોંપી હતી. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આજે કલેક્ટરે બંને પક્ષોને બોલાવ્યા હતા. અને બંને પક્ષોની દલીલો સાંભળી તેની પાસે રહેલા પુરાવાઓ એકત્ર કર્યા હતા. કલેક્ટર સાથેની બેઠક બાદ સ્વામી વિવેક સાગરે જણાવ્યું કે, અમે કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું જ નથી. જ્યારે કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિનાં સિદ્ધરાજસિંહ ઝાલાએ 11 શરતોનો ભંગ થયો હોવાનો દાવો કર્યો છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં કલેક્ટર આ અંગે પોતાનો ચુકાદો જાહેર કરશે.
પ્રાપ્ત વિગત મુજબ કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિ દ્વારા બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનો આરોપ લાગ્યો હતો. જે અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ બંને પક્ષની દલીલોને સાંભળી હતી. જેમાં બાલાજી મંદિર ટ્રસ્ટનાં બાંધકામ વાળી જગ્યા શિક્ષણ વિભાગની હોવાનું પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં ખૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાલાજી મંદિરના વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, અમે કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી જિલ્લા કલેકટરે અમને સાંભળ્યા છે. અને અમે કલેકટરને તમામ ડોક્યુમેન્ટ તેમજ પુરાવાઓ પણ રજૂ કર્યા છે.
તો બીજીતરફ ગજાનંદ ધામ સમિતિના સભ્યોને પણ જિલ્લા કલેક્ટરે સાંભળ્યા હતા. કલેક્ટર સાથેની આ બેઠકમાં કરણસિંહજી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સિધ્ધરાજસિંહ ઝાલા, વકીલ રાજેશભાઈ જલુ તેમજ સામાજિક અગ્રણી ભરતભાઈ ગમારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સિદ્ધરાજસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલામાં સરકારે 11 શરતોનો ભંગ કર્યો છે. અમે પહેલાથી જ કીધું હતું કે શાળાનું રીનોવેશન કરવા માંગતા નથી પાડી નાખવા માંગે છે. આ મામલે અમે કોર્ટના ગયા છીએ. અમે જિલ્લા કલેકટરને પણ પુરાવાઓ આપ્યા છે. જિલ્લા કલેકટરે પણ અમને અન્યાય નહિ થાય તેવી ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આજે બંને પક્ષકારોને સાંભળી તેની પાસેથી જરૂરી પુરાવાઓ જિલ્લા કલેક્ટરે લીધા હતા. હવે આગામી સપ્તાહમાં કલેક્ટર પ્રભવ જોષી પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. અને તમામ જરૂરી પુરાવાઓ સાથે પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. આજે કલેક્ટર સમક્ષ સુનાવણી બાદ બંને પક્ષો પોતાની વાત પર કાયમ હતા. ત્યારે કલેક્ટર આ અંગે શુ રિપોર્ટ જાહેર કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.